જળપ્રણયગાથા (અદમ્ય સાહસની સત્ય કહાની)-A Book Review by Kaushal Parekh – Tax Today
Reading Time: 4 minutes
પુસ્તકોની દુનિયા જ કઈક અજીબ છે, જ્યારે પણ વાંચવા બેસીએ તો કઈક નવું શિખવા અથવા તો જાણવાનું અવશ્ય હાથ લાગે! હાલ, અનેક વિષયોના પુસ્તકો હું વાંચું છું પરંતુ મને રસ પડે એવા જો કોઈ વિષયો હોયતો તે છે સાહસિક વ્યક્તિઓ, વિશ્વપ્રવાસ, ફૂડ કે પછી સત્ય ઘટનાઓ. હાલ, મારે હાથ એક આવુજ પુસ્તક હાથ લાગ્યું જેનું નામ હતું ”જળપ્રણયગાથા”. નામ થોડું હટકે હતું પણ તેના પુંઠા ઉપર એક સિંગલ બોડીની વ્યક્તિનો પીળા રંગની કાયક બોટ ( રબ્બરની હવાભરેલ નાની હોડી ) સાથે ફોટો હતો. થોડી વધુ વિગતો વાંચતાં તો હું આ સુતલકડી વ્યક્તિ કે જેનું નામ શ્રી દેવાંગભાઇ ખારોડ ના સાહસ બદલ દંગ રહી ગયો. દેવાંગભાઈ નાગર બ્રાહમણ જ્ઞાન્તિના છે. આ ગુજ્જુએ ગુજરાતના જખ્ખો બંદરથી દમણ પાસેના ઉમરગામ સુધી એકલે હાથે આ નાનકડી હોડીમાં પ્રવાસ કરીને રેકોર્ડ બનાવી લીધો છે. આખા ગુજરાતમાં આવું સાહસ કરનાર દેવાંગભાઈ પ્રથમ છે. હવે અદમ્ય સાહસ એટલા માટે કહેવું પડે કેમકે આવી બોટ એક હલેસા વડે હાથે ચલાવવાની હોય અને સાથે ખુબજ ઓછો સામાન સાથે સફર કરી શકીએ એ પ્રકાર ની હોય! છે ને અદ્ભુત સાહસ…..?
દેવાંગભાઈ PGVCL બરોડા ખાતે જોબ કરે છે. એકવાર એક સ્પોર્ટ્સ ચેનલમાં કાયક બોટને નિહાળીને તેઓને આ રમતમાં રસ પડ્યો. એ સમયમાં ભારતમાં આ પ્રકારના સ્પોર્ટ્સના સાધનો સરળતાથી ના મળતા એટ્લે તેમણે પોતાના અમેરિકા સ્થિત દોસ્ત પાસે આ પ્રકારની એક કાયક બોટ મંગાવી. લાંબી આતુરતાના અંતે જ્યારે તેમને એનું પાર્સલ મળ્યું ત્યારે તેમણે કાયક બોટને જીવનમાં પ્રથમવાર પોતાની સગી આંખે નિહાળી હતી. અપાર ખુશી વચ્ચે જ્યારે તેમણે પાર્સલ ખોલ્યું ત્યારે ખબર પડી કે તેમાં હવાં ભરવાનો પંપ સાથે નથી આવ્યો. મિત્ર ને ફરી ફોન કરીને તેની જાણ કરતાં એક વર્ષના અંતે તેણે પંપ મોકલવાની વ્યવસ્થા કરી. એક નવીનવેલી દુલ્હનને પ્રથમ નજરે જોતાજ તેના પ્રેમમાં પડી જઈએ તેજ ભાવ સાથે દેવાંગભાઈ પોતાની કાયકના પ્રેમમાં પડી ગયા! ખરી મુશ્કેલીઓતો હવે શરૂ થઈ. આને ચાલવાની કઈ રીતે અને તેના સંચાલન માં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તેની કોઈપણ પ્રકારની જાણકારી તેઓને ના હતી, ઉપરાંત તે સમયે ઇન્ટરનેટની સુવિધા પણ ના હતી. પોતાના એક મિત્ર અનિલ કે જેઓ વડોદરા ફાયરબ્રિગેડ માં ફાયરફાઇટરની નોકરી કરતા હતાં તેમણે દેવાંગભાઈને કાયકિંગ શીખવવાનું વચન આપ્યું. પરિવારજનોને આ રમતમાં જરાપણ રસના હતો અને આ રમતમાં રિસ્કનું પ્રમાણ પણ વધુ હતું એટ્લે તેઓ તેનો સતત વિરોધ કરતાં, પણ અથાગ પ્રયત્નોના અંતે પરિવારના સભ્યોએ અનિલભાઈની નજર અને માર્ગદર્શન હેઠળ કાયક શીખવાની પરવાનગી આપી.
પ્રથમ રાઉન્ડમાં સફળ પ્રયાસની ખુશી બાદ બંને મિત્રોએ મહીસાગર નદીના શાંત પાણીમાં કાયકિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં દેવાંગ ભાઈને શીખવામાં ઘણી તકલીફો પડી પણ જેમ જેમ પ્રેક્ટિસ વધવા લાગી તેમ તેમ પોતાની જુસ્સો દિનપ્રતિદિન વધવા લાગ્યો. એકવાર બંને મિત્રોએ હરિદ્વારથી કાનપુર સુધીના ગંગાનદીના પ્રચંડ પ્રવાહમાં પણ કાયકિંગ એકપીડિશન સફળ રીતે પાર પાડ્યું. આ સફર દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલીયાથી આવેલ સેન્ડી (સ્ત્રી) પણ હતી. દેવાંગભાઈ સેન્ડીની બહાદુરીના વખાણ કરતાં જરાપણ થાક્તા નથી. દેવાંગભાઈના જણાવ્યા અનુસાર જ્યારે આપણે આવા કોઈ મોટા એક્સ્પીડિશન ભાગ લેતા હોય ત્યારે અચૂક આપણે સાથે એક મિત્ર કે પરિવારના સદશ્યને સાથે લેવાનો આગ્રહ કરતાં હોય છે જ્યારે સેન્ડી પોતે છેક ઓસેટ્રેલિયાથી પોતાની 21 કિલોની કાયક બોટ સાથે એકલી આ અજાણ્યા દેશમાં એક્સ્પીડિશન કરવા આવી હતી! એટલૂજ નહીં પરંતુ ભાષા અને જમવાની અગવડતા વચ્ચે તેણે આખુ એકસ્પીડિશન પણ સફળ રીતે પૂર્ણ કર્યું. છેને બાકી સાચી મર્દાની ! જેમ પંખીના બચ્ચાને પાંખ આવતા પૂરા આકાશમાં વિહરવાનું શરૂ કરે છે તેમ દેવાંગભાઈ પણ એ દિવસ બાદ ગુજરાતની મોટાભાગની નદીઓમાં કયાંકિંગ કરી આવ્યા. સામાન્ય રીતે કાયકિંગ નદી કે તળાવના પાણીમાં જ કરવામાં આવે છે પણ દેવાંગભાઈને તો હવે મોટા આકાશમાં વિહરવાનું સપનું હતું માટે તેણે ગુજરાતનાં જખ્ખુ બંદરથી દક્ષિણ ભારતના કન્યાકુમારી સુધી સોલો કાયકિંગ કરીને સફર કરવાનો નિર્ણય કર્યો. આ સફરને તેમણે બે રાઉન્ડમાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું પ્રથમ ફેઝ કચ્છના જખ્ખુ બંદરથી દક્ષિણ ગુજરાતના દમણ પાસે આવેલ ઉમરગામ સુધી જવું અને ત્યારબાદ ઉમરગામથી કન્યાકુમારી બીજા ફેઝમાં જવું.
હાલ, તેઓએ અનેક પડકારો વચ્ચે સોલો કાયકિંગનો પ્રથમ રાઉન્ડ સફળ રીતે પૂર્ણ કરી દીધો છે. પોતાના પુસ્તકમાં તેઓએ આ યાત્રામાં આવેલ અનેક વિઘ્નોનું સવિસ્તર વર્ણન કર્યું છે. માંગરોળના દરિયામા ઊંચા ઉછળતા 40 ફૂટના મોજા હોય કે પછી ઉના પાસે આવેલ સિમરના દરિયામાં પોતાની આસપાસ ફરતી શાર્ક અને ડોલ્ફિન માછલીઓની ટોળીઓ હોય, ક્યારેક કિનાર સુધી પરત આવવામાં નડતાં પ્રચંડ મોજાઓની લહેરો હોય કે અર્ધરસ્તે ભૂખ્યા તરસ્યા કઈ રીતે આ અશક્ય એક્સ્પીડિશન પાર પાડ્યું તેની કહાની આપણાં રુવાંટા ઊભા કરી દે એટલી રોમાંચ ભરેલી છે. સાહેબ દરરોજના આઠથી નવ કલાક સતત હલેસાં મારી મારીને માતાના ધાવણની યાદ આવી જતી. તેઓ દરરોજ સવારના 7 વાગ્યાથી યાત્રા ચાલુ કરી સાંજના 5 વાગ્યા સુધીમાં કિનારે પરત આવી જતાં. લિમિટેડ બજેટને લીધે રાતવાસો કિનારાની આસપાસની વસ્તીમાં કોઈના ઘરે કરવાની વ્યવસ્થા કરતાં. ચાલુ યાત્રામાં ખજૂર, મગફળી, બિસ્કિટ જેવો સૂકો ખોરાક તેઓ પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં ભરીને સાથે રાખતા. કાયક બોટ ખૂબ હળવી હોવાથી સમુદ્રના મોટા મોજા આવતા પલટી જતી એટલી ખોરાક અને મોબાઈલ ભીનો ના થાય એમાટે પ્લાસ્ટિકની નાની બેગમાં પેક રાખતા. વારંવાર હલન-ચલનના લીધી બોટ પલટીના જાય તેનુંપણ સતત ધ્યાન રાખવું પડતું. એકવાર કાયક મધદરિયે ઉંધી થઈ જાયતો તેને સીધી કરવામાં અને બધાં સામાન ને ભેગો કરી કાયક ઉપર ચડાવવામાં બાવડે ઘણું જોર કરવું પડતું એમ સમજો કે મોઢે ફીણ આવી જતાં. આ યાત્રામાં તેઓને બેથી ત્રણ વાર મોતનો ભેટો પણ થયો તોપણ પોતાનું મન મક્કમ કરીને પોતે સફળ રીતે યાત્રા પૂર્ણ કરી. આ સમયે તેઓને ગ્રાઉન્ડ સપોર્ટ આપવા માટે તેમના એક મિત્ર અને એક ડ્રાઈવર બોલેરો ગાડી સાથે તેમની સાથે સાથે ઓનરોડ રોજ 40 થી 50 kmsની સફર કરતાં. સપોર્ટટીમે નક્કી કરેલ બંદર ઉપર રાતવાસાની અને જમવાની વ્યવસ્થા કરવાની, કાયકના સફળ લેંડિંગ અને ટેકઓફ માટેની શ્રેષ્ઠ જગ્યા શોધવાની, પોતાના દરરોજના રૂટની જાણકારી નિયમિત રીતે કોસ્ટલ પોલીસ અને ઇંડિયન નેવીને પહોચડવાની, મેડિકલ અને અન્ય જરૂરિયાતોને પૂરી કરવાની વગેરે વગેરે હતી. આ સફરને પૂરી કરવામાં મળેલ સફળતાનો શ્રેય તેઓ યાત્રામાં સાથે જોડાયેલ મિત્રો, લોકલ નાગરિકો, કોસ્ટલ પોલીસ, ઇંડિયન નેવી, પોરબંદર સ્થિત શ્રી રામ સ્વિમિંગ ક્લબ અને પોતે વાંચેલ હાર ડાયર લેખિત પુસ્તક “કોંનટીકી” કે જેના થકી કોઈપણ મુશ્કેલીમાં નીડર બની અડગ રહેવાની પ્રેરણા મળી ને આપવા માંગે છે. “જહાં ચાહ વહાં રાહ” ની જેમ, દેવાંગભાઈ આપણને ઊંચા આકાશમાં વિહરવાનું અને મુશ્કેલ સંજોગોમાં પણ શાંત મને અડગ રહેવાનુ શીખવે છે.
-કૌશલ પારેખ, દીવ ( 962797422 )
(લેખક વ્યવસાયે એકાઉન્ટન્ટ છે અને દીવ ખાતે બુક ક્લબ નામે સંસ્થા ચલાવે છે જે વાંચનનો શોખ વધે તે માટે પ્રયાસો કરે છે)