May 18, 2024

LALIT GANATRA

Tax Advocate

15 માર્ચ પહેલા એડ્વાન્સ ટેક્સ ભરવાનું ચૂકશો નહીં!! – Tax Today

1 min read
15-માર્ચ-પહેલા-એડ્વાન્સ-ટેક્સ-ભરવાનું-ચૂકશો-નહીં!!-–-tax-today

Reading Time: 3 minutes

તા. 14.03.2023: ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ વર્ષમાં કરદાતા 10000 (દસ હજાર) કે તેથી વધુ ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર હોય ત્યારે તેઓ દ્વારા ઇન્કમ ટેક્સ એડ્વાન્સ સ્વરૂપે ભરવાનો રહેતો હોય છે. જો આ એડ્વાન્સ ટેક્સ સમયસર ભરવામાં ના આવે તો કરદાતા વ્યાજ ભરવા જવાબદાર બની જતાં હોય છે. આજે આ લેખમાં કરદાતા એડ્વાન્સ ટેક્સ ભરવા માટે ક્યાં સંજોગોમાં જવાબદાર બને અને આ એડ્વાન્સ ટેક્સ ક્યારે અને કેવી રીતે ભરવાનો રહે તે અંગે સરળ ભાષામાં માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી ક્યાં સંજોગોમાં આવે:

સામાન્ય રીતે કરદાતા પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભારે ત્યારે રિટર્ન સાથે તેઓ ઇન્કમ ટેક્સ ભરવા જવાબદાર બનતા હોય છે. પરંતુ ઉપર જણાવેલ છે તેમ જ્યારે કોઈ કરદાતાની ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી 10000/- (દસ હજાર પૂરા) કે તેનાથી વધુ હોય તેવા સંજોગોમાં કરદાતા દ્વારા આ ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે નહીં પરંતુ એડ્વાન્સ સ્વરૂપે ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી લાગુ પડે.

એડવાન્સ ટેક્સ ક્યારે ભરવાનો રહે:

એડ્વાન્સ ટેક્સ ભરવા જવાબદાર કરદાતા એ પોતાના  ભરવા પાત્ર ટેક્સની ગણતરી કરવાની રહે છે. આ ગણતરી કર્યા બાદ તેઓની ટેક્સ ભરવાની જવાબદારી નીચે મુજબ રહેતી હોય છે.

એડવાન્સ ટેક્સના હપ્તાની તારીખ        કેટલો ટેક્સ આ હપ્તામાં ભરવાનો રહે
15 જૂન સુધીમાં પોતાના ટેક્સ અંદાજના ઓછામાં ઓછા 15% જેટલો ટેક્સ
15 સપ્ટેમ્બર સુધીમાં પોતાના ટેક્સ અંદાજના ઓછામાં ઓછા 45% ટેક્સ (અગાઉના હપ્તામાં 15% ભર્યો હોવાથી 30% જેવો ટેક્સ આ હપ્તામાં ભરવાનો થાય છે)
15 ડિસેમ્બર સુધીમાં પોતાના ટેક્સ અંદાજના ઓછામાં ઓછા 75% ટેક્સ (અગાઉના બન્ને હપ્તામાં 45% ભર્યો હોવાથી 30% જેવો ટેક્સ આ હપ્તામાં ભરવાનો થાય છે)
15 માર્ચ સુધીમાં પોતાના ટેક્સ અંદાજના પૂરી રકમ (અગાઉના હપ્તામાં 75% ભર્યો હોવાથી 25% જેવો ટેક્સ આ હપ્તામાં ભરવાનો થાય છે)

શું અગાઉ કરવામાં આવેલ ટેક્સના અંદાજ કરદાતા બદલવી શકે છે?

હા, કરદાતા એડ્વાન્સ ટેક્સના દરેક હપ્તા ભરતા સમયે પોતાનો ભરવાપાત્ર ટેક્સનો અંદાજ કરી શકે છે. આ અંદાજ પ્રમાણે પોતાનો ભરવાપાત્ર એડ્વાન્સ ટેક્સનો હપ્તો વધારી કે જરૂર પડે તો ઘટાડી પણ શકે છે.

કલમ 44AD કે 44ADA ની અંદાજિત યોજના હેઠળ ટેક્સ ભરતા કરદાતાઑ માટે એડવાન્સ ટેક્સની વિશિષ્ટ જોગવાઈ:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અગાઉ જોયું તેમ 10000/- ઉપર ટેક્સ ભરવાપાત્ર હોય ત્યારે આ ટેક્સ હપ્તા મુજબ એડ્વાન્સમાં ભરવાનો રહેતો હોય છે. ઉલ્લેખનિય છે કે ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 44AD તથા 44ADA મુજબ અંદાજિત આવક યોજનાનો લાભ લઈ ટેક્સ ભરતા કરદાતાઓને એડ્વાન્સ ટેક્સ ભરવામાં પણ વિશિષ્ટ લાભ આપવામાં આવ્યો છે. આ અંદાજિત આવક યોજનાનો લાભ લેતા કરદાતા પોતાનો અંદાજિત ટેક્સ ઉપર જણાવેલ છે તેમ ચાર હપ્તામાં ના ભરતા માત્ર છેલ્લા હપ્તામાં એટ્લે કે 15 માર્ચ સુધીમાં ભરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા કરદાતા પોતાનો એડવાન્સ ટેક્સ માત્ર 15 માર્ચ પહેલા ભરી આપે તો પણ તેઓ દ્વારા એડવાન્સ ટેક્સના નિયમોનું પાલન થયેલ ગણાય.

સિનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવામાંથી વીશિષ્ટ મુક્તિ: પણ Condition Applied!!

60 વર્ષ ઉપરની ઉમર ધરાવતા કરદાતા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ સિનિયર સિટીઝન કહેવાય છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ સિનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવામાંથી વિશિષ્ટ મુક્તિ આપવામાં આવેલ છે. પરંતુ ધંધાકીય આવક ધરાવનાર સિનિયર સિટીઝન એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં હોય છે. આમ, ધંધાકીય આવક સિવાયની આવક ધરાવતા સિનિયર સિટીઝન કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં નથી.

એડવાન્સ ટેક્સ ના ભરવાના કારણે કરદાતા બને છે વ્યાજ ભરવા જવાબદાર

જે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર છે અને તેઓ દ્વારા એડવાન્સ ટેક્સ ભરવામાં આવતો નથી, તેવા સંજોગોમાં તેઓ વ્યાજ ભરવા જવાબદાર બની જાય છે. આ વ્યાજ 12 % જેવુ લાગુ પડતું હોય છે.

એડવાન્સ ટેક્સ અંદાજ કરવામાં થયેલ ભૂલના કારણે કરદાતા વ્યાજ ભરવા બને છે જવાબદાર

કરદાતા દ્વારા ટેક્સનો અંદાજ કરવામાં આવ્યો હોય અને એ મુજબ એડવાન્સ ટેક્સ પણ ભરવામાં આવ્યો હોય અને જ્યારે કરદાતા આ અંદાજથી વધુ ટેક્સ ભરવા જવાબદાર બને છે ત્યારે એડવાન્સ ટેક્સ ગણવાની ભૂલ બદલ પણ વ્યાજ ભરવા જવાબદાર બની જાય છે. અંદાજ કરવામાં ભૂલ થઈ હોવા છતાં પણ કરદાતા વ્યાજ ભરવા જવાબદાર બની જાય છે. આમ, કરદાતા પોતાનો ટેક્સ અંદાજ વ્યવસ્થિત રીતે કરે તે ખૂબ જરૂરી છે.

15 માર્ચ છે નજીક, કરદાતા કરે પોતાના ટેક્સની યોગ્ય ગણતરી, જરૂર જણાય તો ભરી આપે એડવાન્સ ટેક્સ

15 માર્ચ નજીક છે. આપ આ લેખ જ્યારે વાંચતાં હશો ત્યારે આપના દ્વારા નાણાકીય વર્ષ 2022 23 ની આવક નો તથા ટેક્સનો અંદાજ કરી, જો પોતે એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં હોય તો એડવાન્સ ટેક્સ ભરી આપે તે હિતાવહ છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 13.03.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.